મેવાડા સુથાર સમાજ ના આપણા વડવાઓએ શિક્ષણની અનિવાર્યતા સમજી, અમદાવાદમાં અત્યારના નવરંગપુરા જેવા મોખાના સ્થળે છાત્રાલયનુ નિર્માણ કરી ખૂબ મોટી સમાજ સેવા કરી છે. શ્રી વિશ્વકર્મા મેવાડા જ્ઞાતિ મંડળ મુંબઈ અને અમદાવાદમાં વસતા આપણા જ્ઞાતિના ભાઇઓના પ્રયત્નોથી એક પારસી બાનુ પાસેથી અમદાવાદમાં જમીન સંપાદન કરી ઈ.સ. ૧૯૫૪માં શ્રી ઉગરચંદ ડી. મિસ્ત્રી (બેતાલીસગોળના) હસ્તે ખાત મુહુર્ત કરી છાત્રાલયનુ બાંધકામ શરૂ કર્યુ. |
|
આ છાત્રાલયનુ ઉદ્ગાટન તા.૨૩-૬-૧૯૬૦ના રોજ ઇડર નિવાસી શ્રી શીવરામભાઇ ઘેલાભાઇ મિસ્ત્રીના વરદ હસ્તે થયેલ અને મકાન તૈયાર થયાને પ્રથમ વર્ષે ચાર-પાંચ વિદ્યાર્થીથી શરુ કરી અત્યાર સુધીમાં આ છાત્રાલયમાં પંદરસોથી વધુ વિદ્યાર્થીઓ ભણી ગયા છે અને પોતાના જીવનને ઉન્નત બનાવ્યુ છે. ભોંયતરિયાની રુમોના બાંધકામથી શરુ થયેલુ આ છાત્રાલય ત્રણ માળનુ, લગભગ ૧૨૫ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતુ, આધુનિક સગવડો વાળુ, મજાનુ અભ્યાસ માટેનુ વાતાવરણ પૂરુ પાડતુ ઘર બની રહ્યુ છે.
વહીવટી સરળતા માટે અમદાવાદમાં કાયમી ધોરણે એક સમિતિ રચી, ડૉ. ચુનીભાઈ સુથાર તથા શ્રી મુળશંકરભાઇ સુથાર અને બીજા આગેવાનોએ ભેગા થઇ બંધારણ ઘડી કાઢી શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટની રચના થઇ અને ટ્રસ્ટ રજી. નં. એ૧૮૪૬ થી રજીસ્ટ્રેશન થયુ.
દીવો પ્રગટાવનાર મળે તો પ્રકાશ તો ફેલાય જ છે તે રીતે ૬-૭ રુમોથી શરુ થયેલ છાત્રાલયને પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓને સમાવવા માટે વધારે રુમોની જરુરિયાત ઊભી થઇ અને તા. ૨૦-૧૧-૧૯૭૨ ના રોજ તો છાત્રાલયના પ્રથમ માળનુ વિધિવત ઉદ્ઘાટન મુંબઇના જુના કાર્યકર શ્રી કે. ડી. મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યુ તે વખતે સમારંભના પ્રમુખ તરીકે દેરોલ કંપાવાળા શ્રી પ્રેમચંદભાઇ અંબાલાલ મિસ્ત્રી હતા.
આપણા સમાજના ધાનધાર ગોળના અને વડગામના વતની સ્વ. શ્રી કાળીદાસ રેવાશંકર મિસ્ત્રી કે જેમનુ સને. ૧૯૮૮ માં અમદાવાદમાં વિમાન અકસ્માતમાં દુઃખદ અવસાન થયેલુ હતુ તેમનુ નામ છાત્રાલય સાથે જોડાય તો તેમના કુટુંબીજનો તરફથી મોટી રકમના દાનની ઓફર મળી. જે વ્યક્તિ આજીવન સમાજસેવાના કાર્યમાં ઓતપ્રોત રહ્યા હોય તેવી વ્યક્તિનુ નામ છાત્રાલય સાથે જોડાઇને અમર થતુ હોય તો કોઇને કઇંપણ વાંધો ના હોઇ શકે તેથી આ ઓફર સહર્ષ સ્વીકારવામાં આવી. તેજ વખતે આપણા સમાજના શ્રીમતિ રેવાબેન અમૃતલાલ મિસ્ત્રી (સૂંઢિયા) તરફથી અતિથિગૃહ માટે તેમજ શ્રીમતિ મણીબેન ગંગારામ મિસ્ત્રી (જાસ્કા) તરફથી કોમ્યુનિટિ હોલ માટે અને ગં.સ્વ. મણીબેન રેવાશંકર મિસ્ત્રી (વડગામ) તરફથી ભોજનખંડ માટે મોટા દાનની ઓફરો મળી. ટ્રસ્ટ્ના તત્કાલીન પ્રમુખ શ્રી મુળશંકરભાઇ સુથાર અને ટ્રસ્ટીશ્રીઓ તેમજ કારોબારી સભ્યોના પ્રયાસો અને દાતાઓની મદદથી બીજા માળનુ બાંધકામ થયુ. આ વધારાના ૧૩ ઓરડા સાથે કોમ્યુનીટી હોલ, અતિથિગૃહ, અને રસોડા સાથેના સપુંર્ણ સગવડો સાથેના સંકુલનુ ઉદ્ઘાટન તા. ૧૦-૩-૧૯૯૬ના રોજ ગુજરાતના સુપ્રસિધ્ધ સંત, ચિંતક, પત્રકાર અને સામાજિક સુધારક એવા પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહરાજના હસ્તે કરવામાં આવ્યુ. તે વખતે સમારંભના પ્રમુખ તરીકે ધાનધારના વડગામના વતની શ્રી દિલીપભાઇ દુર્લભરામ મિસ્ત્રી હતા. આ વખતે છાત્રાલયનુ “શ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી કાળીદાસ રેવાશંકર મિસ્ત્રી છાત્રાલય” નામાભિકરણ પણ થયુ.
આજે તો છાત્રાલયની સુવિધાઓ અને લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. સમાજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની સાથે આપણુ સામાજીક ઉત્થાન પણ થયું છે.
વર્ષ ૨૦૦૯માં છાત્રાલયે તેની સ્થાપનાનાં ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સુવર્ણજ્યંતિ મહોત્સવ ઉજવેલ હતો.
|